શ્રાવણ માસને તહેવારોનો મહિનો કહે છે. શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે બળેવના તહેવાર ઉજવવામાં આવે છે.
કાચા સૂતરના ધાગાની રાખડી હોય છે. તેમાં રેશમના ફૂમતા વચ્ચે મોતી હોય છે. હવે તો કલાત્મક રીતે રાખડીઓ બનાવવામાં આવે છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધવા ઉત્સુક હોય છે.જ્યારે ભાઈ બહેન પાસે રાખડી બંધાવવા ઉત્સુક હોય છે.
વહેલી સવારે રક્ષાબંધન ની વિધિ કરવામાં આવે છે. બહેન ભાઈના કપાળ માં કુમકુમ તિલક કરે છે. અક્ષત ચોઢે છે. એ પછી તે ભાઇના જમણા હાથે રાખડી બાંધે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈ ને ગોળ ખવડાવે છે. હવે ગોળને બદલે પેડો કે મીઠાઇ ખવડાવે છે. બહેન ભાઈને અંતરના આશિષ આપે છે. આ પછી ભાઈ બહેન ને તેની રક્ષા કરવા તથા તેને દુઃખ સંકટ વેળાએ મદદ કરવાની ખાતરી આપે છે. તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બહેનને ભેટ આપે છે. જેને 'વીરપસલી' કહે છે આમ, રક્ષાબંધન એ ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે.
આ દિવસે બ્રાહ્મણો પૂજાવિધિ કરી જનોઇ ને બદલે છે. ઘણા સ્થળે બ્રાહ્મણો નદી કિનારે જઈને જનોઈ બદલવાની વિધિ કરતા હોય છે.
રક્ષાબંધનના તહેવારને બળેવ પણ કહે છે. આ દિવસે નાવિકો સમુદ્રની પૂજા કરે છે. તેઓ સમુદ્રને નાળિયેર થી વધાવે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહે છે.
રક્ષાબંધનના દિવસે કેટલીક સામાજિક સંસ્થાઓ પણ ઉજવે છે. આવી સંસ્થાઓ તરફથી કેટલીક બહેનો હોસ્પિટલોમાં જઈને દર્દીઓને હાથે રાખડી બાંધે છે. તેઓ તેમને જલદી સાજા થવાની શુભેચ્છા આપે છે. કેટલીક બહેનો જેલમાં જઈને કેદીઓના હાથે રાખડી બાંધે છે. તેમને સારું જીવન જીવવા આ પ્રસંગે પ્રેરણા આપે છે.
રક્ષાબંધન એક સામાજિક તહેવાર છે. તેની ઉજવણીમાં ભાઈ બહેન નો પ્રેમ ઝળહળે છે.
No comments:
Post a Comment