Vasharutu Gujarati Nibandh / વર્ષાઋતુ ગુજરાતી નિબંધ |
ઉનાળો પૂરો થાય પછી વર્ષાઋતુ શરૂ થાય છે.
આકાશમાં વાદળના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. મૂશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઇ જાય છે. લોકો ખુશખુશાલ થઈ જાય છે.બાળકો પાણીમાં છબછબીયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉં.... ડ્રાઉં..... કરે છે. ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઊઠે છે.લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને બહાર નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે.
જરૂર વાંચો-કોરોના વાયરસ ( કોવિડ19) ગુજરાતી નિબંધ
વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઇ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરમાં અનાજના છોડ ઊગે છે. ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી તે ધરતીમાતા એ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા, તળાવ, નદી અને નાળા માં વરસાદ નું નવું પાણી આવે છે
જરૂર કરતો વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદી-નાળા છલકાઈ જાય છે. ખેતરોનો પાક ધોવાઈ જાય છે. કાચા મકાનો પડી જાય છે. ઘરવખરી અને ઢોરઢાંખર પાણીમાં તણાઈ જાય છે. તેને લીલો દુકાળ પણ કહે છે. વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી, ઘાસ ઉગતું નથી. ધીમે ધીમે જળાશયોના પાણી સુકાવા માંડે છે. તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે.
વર્ષાઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળાસાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી , નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે. લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે.
વર્ષાઋતુ પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો એને ઋતુઓની રાણી કહે છે.
No comments:
Post a Comment