Tuesday, 28 September 2021

મારા દાદીમા ગુજરાતી નિબંધ / Mara Dadima Gujarati nibandh


મારા દાદીમા ગુજરાતી નિબંધ / Mara Dadima Gujarati nibandh


મારા દાદીમા નું નામ અમથીબા છે. તેમની ઉંમર ૭૦ વર્ષની છે. આમ છતાં તેમની તંદુરસ્તી ઘણી સારી છે. તેમના વાળ ધોળા છે તેમના મોમા દાંત નથી,પણ ચોકઠું છે. આથી તેમને જમવા માં તકલીફ પડતી નથી. તે ચશ્મા પહેરે છે અને સફેદ સાડી પહેરે છે.


મારા દાદીમાં સવારે વહેલા ઉઠે છે. તે નાઈ ધોઈને ભગવાનની સેવા-પૂજા કરે છે. ત્યાર પછી તે નજીક આવેલા મંદિરે જાય છે. ત્યાં દર્શન કરીને ઘરે આવે છે. ત્યારે અમારા માટે પ્રસાદ લાવે છે. તે મારી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. મારા દાદીમા એ બનાવેલી રસોઈ મને ખૂબ જ ભાવે છે.


મારા દાદીમાં બપોરે થોડો આરામ કરે છે. પછી તે રામાયણ કે ભાગવત વાંચે છે. તે મહિલા મંડળ માં જોડાયેલા છે. તેથી તે ઘણીવાર કોઈને ઘેર ભજનમાં પણ જાય છે. તેમનો કંઠ સારો છે. તે ભજનો ગવડાવે છે. શ્રાવણ માસમાં મારા દાદીમાં અમને બધાને રામાયણ વાંચી સંભળાવે છે. રાત્રે અમે ભાઈ-બહેન દાદીમા સાથે વાતો કરીએ છીએ. તે અમને વાર્તા કહે છે. સૂતા પહેલા અમે સૌ સાથે બેસીને પ્રાર્થના કરીએ છીએ.


મારા દાદીમા નું જીવન ઘણું સાદું છે. તે પોતાનું બધું જ કામ જાતે કરે છે. તેમની જરૂરિયાતો ઘણી ઓછી છે. તે ખપ પૂરતું જ બોલે છે. તે કોઈ વાર બે ચાર દિવસ  માટે મારા ફોઇબાના ઘેર પણ જાય છે. અમે બધા દાદીમાને ખૂબ માન આપીએ છીએ. અમારા ઘરમાં સૌ એમની સલાહ લે છે.


દાદીમા અમને ખૂબ ચાહે છે. તે અમારા સૌ માટે વરદાન સમાન છે. તેમની છત્રછાયામાં અમને ઘણી હુંફ મળે છે. તે  અમને સારા સંસ્કારો આપે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે  મારા દાદીમાં ખૂબ જીવે અને તંદુરસ્ત રહે.



બીજા પણ ગુજરાતી નિબંધ વાંચો

મારી શાળાના આચાર્ય

મારું ગામ

મારી વહાલી મમ્મી

મારા પ્રિય શિક્ષક

મારો શોખ

No comments:

Post a Comment