ક્રિકેટ મારી પ્રિય રમત છે. હું ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી બધી મેચ જોવું છું. મારો પ્રિય ક્રિકેટર પટૌડી છે. પટૌડી નું પૂરું નામ મનસુર અલીખાન પટૌડી છે. તેણે નાની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરુ કરી દીધું હતું. પટૌડી તેની સ્કૂલની ક્રિકેટ ટીમનો આગેવાન હતો. એણે ચાલીસ વર્ષના સૌથી વધુ રનના વિક્રમને તોડયો હતો. યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પણ પટૌડીએ સતત ત્રણ સદી ફટકારીને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો.
પટૌડી ને એકવાર મોટર અકસ્માત થયો હતો. તેમાં એને જમણી આંખમા કાચની કણ ઘૂસી ગઈ હતી. આથી તેને બે વાર આંખનું ઓપરેશન કરાવવું પડ્યું. તેની આંખ તો રહી, પણ એનું તેજ સદાને માટે જતું રહ્યું.
ક્રિકેટની રમત રમવા માટે બે આંખોની જરૂર પડે છે. એક આંખે ક્રિકેટ રમવું એ અઘરું કામ ગણાય. પટૌડી ના ચાહકો માનવા લાગ્યા હતા કે પટૌડીની શાનદાર બેટિંગ હવે જોવા મળશે નહીં. પણ પટૌડી હતાશ થયો નહીં. તેને શ્રદ્ધા હતી કે પોતે હજુ પણ એક સફળ બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દી બનાવી શકશે.
૧૯ વર્ષના પટૌડી એ એક આંખે બેટિંગ શરૂ કરી. એ બેટ બરાબર વીંઝે, પણ દડા સાથે એનો મેળાપ જ ન થાય ! પટૌડીની મુસીબતનો પાર ન હતો. પણ પોતાની બેટિંગની તાકાત બતાવવાનો પટૌડીનો નિશ્ચય અડગ હતો.
પટૌડીએ એક આંખે બેટિંગ કરવા શું શુ કરવું પડે તેનો વિચાર કર્યો તે પ્રમાણે તેને પેટ પકડીને ઊભા રહેવાની અને દડાને પારખવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો.
આખરે પટૌડીને સફળતા મળી. તેણે 1961-62માં ભારતીય ટીમનું સુકાની પદ સંભાળ્યું. એટલું જ નહીં પણ તેણે એ મેચમાં પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કર્યા. એ જ વર્ષે પાંચમી ટેસ્ટમાં તેણે અઢી કલાકમાં સોળ ચોગ્ગા અને છ છગ્ગા સાથે સદી કરીને ભારતને વિજય અપાવ્યો.
21 વર્ષની નાની ઉંમરે પટૌડીએ ક્રિકેટ જગતમાં અનેક સિદ્ધિઓ મેળવી. છતાદાર બેટિંગ,ચપળ ફિલ્ડીગ અને સફળ આગેવાનીથી પટૌડીએ ક્રિકેટ જગતમાં અનોખું સ્થાન મેળવ્યું.
તેની 'એક આંખની અજાયબી' મને સતત પ્રેરણા આપતી રહે છે. તેથી જ પટૌડી મારો પ્રિય ક્રિકેટર છે.
બીજા પણ ગુજરાતી નિબંધ વાંચો
No comments:
Post a Comment