Saturday, 5 March 2022

હોળી ગુજરાતી નિબંધ | Holi gujarati Nibandh


 

હોળીનો તહેવાર હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો એક મુખ્ય તહેવાર છે. હોળી એક એવો ઉત્સવ છે જે આખા ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક ભારતીય આનંદ અને ઉમંગ સાથે હોળીનો તહેવાર ઉજવે છે. 

 

આ દિવસે બધા લોકો તેમના બધાં દુઃખો ભૂલીને એકબીજાને ભેટી પડે છે. હોળીનો રંગ આપણા બધાને એકબીજા સાથે જોડે છે અને સંબંધોમાં પ્રેમ અને સ્નેહના રંગ ભરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ નો સૌથી સુંદર રંગોળી નો તહેવાર હોળીને માનવામાં આવે છે. બધા તહેવારોની જેમ હોળીના તહેવાર ની પાછળ પણ ઘણી બધી માન્યતાઓ રહેલી છે.


 

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. લોકો આ તહેવાર ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે. ઘરોમાં તમામ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. હોળી નો સમાવેશ હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાં થાય છે. ભારતમાં ખાસ કરીને રાજસ્થાનમાં હોળી મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ત્યાંની એક કહેવત છે કે  "દિવાળી તો અટે કટે પણ હોળી તો ઘરે" એટલે કે રાજસ્થાનની વ્યક્તિ દિવાળીનો તહેવાર ગમે ત્યાં મનાવે પણ હોળીનો તહેવાર તો માદરે વતનમાં જ મનાવે છે.ભલે તે  કેટલે દૂર કેમ ના રહેતા હોય. હોળીના તહેવારમાં રાજસ્થાનમાં ફાગ એટલે એક પ્રકારનું ગીત નું અનેરું મહત્વ હોય છે. લોકો ઢોલ-નગારા સાથે નાચતા નાચતા ફાગ ગાવે છે. હોળી માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ તમામ સમુદાયના લોકો દ્વારા પણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હોળી માં લોકો એકબીજાને મળીને ગળે લગાવે છે અને એકબીજાને રંગ લગાવે છે.  

 

હોળીના દિવસોમાં ઘેરૈયા લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોકે અથવા દર વર્ષના નક્કી કરેલ સ્થાન પર છાણા ,લાકડા ની હોળી ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો પ્રગટાવેલ હોળીની પવિત્ર મનથી પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, પ્રસાદી, ખજુર વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળી નું પૂજન કરે છે. દરેક વિસ્તારમાં હોળી ઉજવણીની રીતો અલગ અલગ હોય છે.પરંતુ દરેક લોકોની ભાવના એક જ હોય છે, કે હોળી પ્રગટાવી આ જગતમાં આસુરી તત્ત્વોનો નાશ થાય અને દૈવી શક્તિની પૂજા થાય.

 

હોળી પ્રાગ્ટ્ય

હોળીનો ઇતિહાસ

 

હોળીનો તહેવાર ઉજવવા પાછળનો એક પ્રાચીન ઇતિહાસ છે.પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો દાનવોનો રાજા હતો. તેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ,ઘરની અંદર કે બહાર ,ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈથી મરશે નહીં. આ વરદાનને કારણે તે અમર બની ગયો હતો. તેને મારવો એ લગભગ અસંભવ પડકાર થઈ ગયો હતો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો હતો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ તેણે હાહાકાર મચાવી દીધો. તેને લોકોને ભગવાનની પૂજા કરવાનુ પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશ્યપને પ્રહલાદ નામનો એક પુત્ર હતો જે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો.આ બાબતે હિરણ્યકશ્યપ ખૂબ જ નારાજ હતો.તેણે પ્રહલાદને એનકેન પ્રકારે પ્રલોભનો આપી તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી આથી નારાજ હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને મારી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો. આ માટે હિરણ્યકશ્યપે તેની બહેન હોલીકા ની મદદ લીધી કારણ કે હોલિકાને વરદાન મળ્યું હતું કે તેને વરદાનમાં મળેલી ઓઢણી ધારણ કરે ત્યારે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. આથી હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ કર્યો. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને તે હોલિકાના ખોળામાં બેસી ગયો. ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી વરદાન વાળી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલીકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ જીવિત બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના આ હોળી ઉત્સવ નું મુખ્ય કારણ માનવામાં આવે છે.

 

હોલીકા અને પ્રહલાદ

ત્યાર પછી ભગવાન વિષ્ણુ દ્વારા હીરણ્યકશ્યપના વધની કથા આવે છે. જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે, પોતાના ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કરે છે.આમ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું આ પર્વ એટલે હોળી.

હિરણ્યકશ્યપનો વધ         

આ પૌરાણિક કથા કહે છે કે  હંમેશા અચ્છાઇનો બુરાઈ પર વિજય થાય છે. આજે પણ દરેક લોકો લાકડાં, ઘાસ અને ગાયના છાણની હોળી બનાવી રાત્રે હોલિકા દહન કરે છે અને બીજા દિવસે દરેક જણ એકબીજાને અબીલ-ગુલાલ અને જુદા જુદા રંગો છાંટીને હોળી રમે છે. દર વર્ષે ફાગણ મહિનામાં હોળીની ઉજવણી કરવામાં આવે છે.જેમ જેમ હોળીનો તહેવાર નજીક આવે છે તેમ તેમ આપણો ઉત્સાહ પણ વધતો જાય છે. હોળીએ ભારતીય સંસ્કૃતિનું સાચું પ્રતીક છે. જે રંગ વિવિધતામાં એકતાને પ્રતિબંબિત કરે છે.આ દિવસે લોકો એકબીજાને પ્રેમ પ્રદાન કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. લોકગીતો ગવાય છે અને એકબીજાને મોં મીઠું કરાવે છે.


ભારતમાં હોળીનો તહેવાર જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી ઉજવવામાં આવે છે. આજે પણ વજ્રની હોળી એ આખા દેશ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બરસાના અને નંદગામ લથમાર હોળી પણ ખૂબ જ પ્રખ્યાત છે. આમાં પુરુષો મહિલાઓ પર  રંગ લગાવે છે અને મહિલાઓ લાકડીઓ અને ચાબુક વડે બનાવેલા કપડાથી પુરુષોને મારે છે. તેવી જ રીતે મથુરા અને વૃંદાવનમાં પણ આપણે પંદર દિવસ સુધી હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હરિયાણાના યુવંડીમા ભાભી દ્વારા દિયરને હેરાન કરવાની પ્રથા પ્રચલિત છે. આમ ભારતમાં વિભિન્ન સ્થળોએ હોળી નો તહેવાર સ્થાનિક પરંપરા અનુસાર અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ તમામ લોકોની ભાવના તો એક સમાન જ હોય છે.

 

 

બીજા પણ ગુજરાતી નિબંધ વાચો.

નવરાત્રિ

દશેરા ( વિજયાદશમી) 

ઉત્તરાયણ ( મકરસક્રાંતિ)

મહાશિવરાત્રી

No comments:

Post a Comment